બાળકોને ‘આર્થિક સંસ્કાર’ કેવી રીતે આપીશું? અને છેતરપીંડીથી કેમ બચાવીશુ?
-વિશાલ ભાદાણી-
ગત વર્ષે ભારતમાં લગભગ 23 લાખ ઓનલાઈન ફ્રોડ નોંધાયા! આમાં મોટાભાગના આર્થિક છેતરપિંડીના કેસ છે. જ્યાં માણસ છે ત્યાં છેતરવું અને છેતરાવાનું રહેવાનુ અને ટેક્નોલૉજીએ જેમ બીજી બાબતો સરળ બનાવી છે એમ જ ‘આર્થિક છેતરપિંડી’ પણ સરળ બનાવી છે! તો શું બાળકોને આર્થિક વ્યવસ્થાપન ન શીખવવું જોઈએ? સવાલ એ નથી કે બાળકોને નાનપણથી પૈસા પાછળ દોડતાં કરીએ પરંતુ જીવનનાં ઘણાં મહત્ત્વના પાંસાંઓ જેનાં પર અવલંબે છે એ આર્થિક બાબતની વાસ્તવિક સમજ મળે એવું ગોઠવવું તો જોઈએ. અલબત, વિશ્વની ૩૩% શાળાઓએ ‘ફાઇનાન્સિયલ લિટરસી’ (આર્થિક સાક્ષરતા) નામે એક વિષય ભણાવવાનું ધીમે ધીમે શરુ કર્યું છે એનો આનંદ છે. પરંતુ, આપણું બાળક જ્યાં ભણવા જાય છે એ શાળામાં આર્થિક શિક્ષણ ન આપવામાં આવતું હોય તો? તો ફિકર નોટ! ‘અપ્પ દીપો ભવ:’ ચાલો, આપણે ઘેર શું શું કરી શકીએ જેથી બાળકો પોતાનું આર્થિક વ્યવસ્થાપન સરસ રીતે કરી શકે એની યાદી બનાવીએ!
૧) આર્થિક નિર્ણયોમાં બાળકોને જોડીએ:
બાળકને પ્રત્યેક પસંદગીની પ્રક્રિયામાં ઉતારવું પડશે; દર વખતે બાળકને બદલે આપણે નિર્ણય કરી લઈએ તો એનામાં એ કુનેહ નહીં વિકસે. એણે એની બચતમાંથી કપડાં ખરીદવા છે કે રમકડાં એ પસંદગી બાળક કરે ત્યારે એની સાથે બંનેના લાભાલાભ ચર્ચીએ. તદુપરાંત, પરિવાર માટે પણ કશુક ખરીદવાનું હોય ત્યારે બાળક સાંભળે એમ ઓછામાં ઓછું બે વખત આપણે સૌને પૂછવું જોઈએ, “શું આ વસ્તુની આપણે ખરેખર જરૂર છે? અત્યારે જ જરૂર છે??” આવા પ્રશ્નો બાળકોને અગ્રીમતા નક્કી કરતાં શીખવે છે.
ઉદાહરણ તરીકે, પારિવારિક પ્રવાસમાં જતા પહેલાં આખા પ્રવાસનો અંદાજિત ખર્ચ કેટલો કરીશું એનું આયોજન કરવું જોઈએ અને બાળક જો લખી શકતું હોય તો એની પાસે જ યાદી બનાવવી જોઈએ કે મુસાફરી ખર્ચ, ભોજન, રહેવાનો, ખરીદીનો, ઈમરજન્સી વગેરે ખર્ચનો એક અંદાજ કાઢીએ. જો આમ ન કરીએ તો બાળકો એમ જ માનવા લાગે કે જેટલાં રૂપિયાની જરૂર પડશે એટલા પપ્પા કે મમ્મી પાસે હોય જ છે અથવા હશે જ. આ બહુ જ જોખમી છે. કારણકે આવું વિચારનાર બાળક આગળ જતાં બેફામ બનતું હોય છે અને એને એમ પણ લાગવા લાગે છે કે “મારે જેટલાં રૂપિયા જોઈએ એટલાં મને આપવા એ મારાં વાલીની ફરજ છે!” આના બદલે આર્થિક નિર્ણયોમાં બાળકોને સાથે રાખીએ ત્યારે એને ખ્યાલ આવે છે કે કુટુંબના સામૂહિક રૂપિયા સૌ માટે છે અને ક્યારેક મારી ઈચ્છા પ્રમાણે મને ન પણ મળે.
હવે તો મોબાઈલમાં એવી એપ્લીકેશન (દા.ત.,Home Budget, Piggybot, Bankaroo, વગેરે) પણ આવે છે જેમાં આપને આવક, જાવક અને ખર્ચની વિવિધ માહિતીઓ દાખલ કરીએ તો એ આપણને ઝડપથી બધી ગણતરીઓ કરી આપે છે. બાળકનું બચત-બોક્સ બનાવીએ એમાં ત્રણ વિભાગ બનાવીએ: ૧) નજીકના ભવિષ્યમાં જે વસ્તુ ખરીદવાની છે તે માટેની બચત, ૨) લાંબા સમયે ખરીદી કરવા માટે એકઠાં કરવા માટેની બચત અને ૩) ભગવાનનો ભાગ. આ ત્રીજો ભાગ પરીવાર માટે અથવા તો બહાર કોઈને કશુક આપવા માટેની બચત બને જેથી એક બહુ મોટું જીવન મૂલ્ય પણ કેળવાય. આર્થિક બાબતોથી ઊભો થતો તણાવ અટકાવવા માટે બાળપણમાં જ આ બજેટની સમજ આવી જાય તો આગળ જતા અનેક પ્રકારની આર્થિક ગૂંચવણોમાંથી બચી શકાય. બાળકોને રમત રમતા રમતા પણ બજેટીંગ શીખવી શકીએ જેમ કે 'મોનોપોલી', 'નવો વ્યાપાર', 'ધ ગેઈમ ઓફ લાઈફ' કે પછી 'પે-ડે' જેવી રમતોનો પણ ઉપયોગ થઈ શકે.
૨) ખર્ચની મર્યાદા અને જવાબદારી નક્કી કરીએ:
બાળકને એની જરૂરીયાત પૂરી કરવા માટે અઠવાડિયે/મહીને કેટલા રૂપિયા મળશે એ નક્કી કરીએ. જેથી બાળકોમાં એક માર્યાદિત રકમમાં પોતાની જરૂરિયાતોને કેમ સંતોષવી એની સમજ વિકસે છે. મારાં ભત્રીજા સાથે હું નાસ્તાનો ડબ્બો ખરીદવા માટે ગયો. એણે દુકાનમાંથી એને ગમતો એક સુંદર ડબ્બો પસંદ કર્યો જેમાં લાઈટ થતી હતી અને એની કિંમત રૂ.૪૦૦/- હતી. મેં એને કહ્યું કે તારાં નાસ્તાના ડબ્બા માટે મારું બજેટ રૂ. ૨૦૦ જ છે એટલે ઉપરના જેટલાં રૂપિયા થાય એ તારી બચતમાંથી ખર્ચીશું. એટલે એણે અનેક ડબ્બાઓ જોયા, તેની કિંમત ગણી અને છેલ્લે તુરંત જ રૂ. ૨૩૦ વાળો એક ડબ્બો પસંદ કર્યો! આમાં ખર્ચની મર્યાદા અને જવાબદારી બંને નક્કી થયું.
પૈસાને ધીમે ધીમે બચત કરવાથી બાળકોમાં ધૈર્ય વિકસે છે. આજકાલ દરેક બાબતોમાં ઝડપ વધી છે એટલે આપણને સૌને “ઈન્સ્ટંટ ગ્રેટીફિકેશનની” ટેવ પડી ગઈ છે અર્થાત્ જ્યારે ઇચ્છીએ ત્યારે સુખ મળવું જોઈએ. આ જોખમી વ્યસન છે. બાળકો માટે કોઈ બાબતની રાહ જોવી થોડી મુશ્કેલ તો છે પણ એની પણ એક રીત છે. ઉદાહરણ તરીકે, બાળકને એમ કહીને પ્રોત્સાહિત કરી શકાય કે જો એ અમુક વસ્તુ એક અઠવાડિયું મોડી ખરીદે તો તેને અમુક પ્રકારની વિશેષ ભેટ આપી શકાય. મન થાય ત્યારે તુરંત જ ખરીદવાથી ઘણીવાર છેતરવાનું કે વસ્તુ મોઘી મળવાની શક્યતાઓ વધી જાય છે એવી વાતો ઘરમાં વારંવાર કરીએ. ઘણીવાર એવું બને કે આપણે કોઈ વસ્તુ અમુક દિવસો પછી ખરીદીશું એવો નિર્ણય કરીએ ત્યારે એ દિવસો દરમિયાન આપણને સમજાય છે કે હકીકતે તો એ વસ્તુની જરૂર જ નથી. બાળકોને બધું જ તુરંત આપવાથી એમનામાં અધીરાઈ વધે છે અને વસ્તુ ન મળતાં ગુસ્સો અને ચિડીયાપણું વધે છે.
૩) બાળકની બચતને પ્રોત્સાહન આપીએ:
બાળકોને અઠવાડિયે આપવામાં આવતો ખિસ્સા ખર્ચ ૧૦ દિવસે કરીએ તો? તો એમને ૧૦ દિવસ સુધી પોતાની પોકેટ-મનીનું વ્યવસ્થાપન કરવું પડશે. ક્યારેક પ્રયોગ માટે અઠવાડિયાને બદલે દર બે દિવસે એને પૈસા આપવા. તમે પ્રયોગ દ્વારા જાણી શકો કે તમારાં બાળકની ખર્ચ કરવાની કે બચત કરવાની ટેવ કેવી બની રહી છે! જ્યારે બાળકને બચત કરતાં શીખવીએ ત્યારે એ પ્રક્રિયાને પ્રોત્સાહિત કરવા માટે આપણે પણ એની બચતમાં આપણું પ્રદાન ઉમેરીએ. ઉદાહરણ તરીકે બાળક ૧૦ રૂપિયાની બચત કરે તો આપણે એમાં ૫ રૂપિયા ઉમેરીએ. થોડાં મોટા બાળકો માટે બેંકમાં સેવિંગ ખાતું પણ ખોલાવીએ જેથી બાળક માટે આર્થિક વ્યવસ્થાપન શીખવા માટેનો એક મોટો ક્લાસ શરુ થઈ જશે. બાળકે બેંક પર આવતું-જતું થાય ત્યારે અનેક બાબતો શીખવા લાગશે. જેમ કે વ્યાજ કોને કહેવાય, બેંક સ્ટેટમેંટ કેવી રીતે જોવાય, ATM મશીનનો ઉપયોગ કેવી રીતે કરાય અને સૌથી અગત્યનું બેંકના કર્મચારીઓ સાથે કેવી રીતે વાત કરાય.
૪) આર્થિક ભૂલોની ચર્ચા કરીએ:
મોટેરાઓ માટે પોતાની આર્થિક ભૂલ કબૂલવી અને સૌને કહેવી એ ખરેખર મૂશ્કેલ છે પણ અશક્ય નથી. આપણે અગાઉ જોયું કે ભારતમાં ઓનલાઈન ફ્રોડની સંખ્યા લાખોમાં છે. સમાચારપત્રોમાં કે ટીવીમાં આવા બનાવોની વિગતો આવ્યા જ કરે છે. તો બાળકો સાથે એની વાતો કરીએ. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એક સરસ પહેલ કરવામાં આવી છે જેમાં ‘રાજુ અને ૪૦ ચોર’ નામની કે સુંદર કોમિક વાર્તાની ચોપડી તૈયાર કરવામાં આવી છે. આ ચોપડીમાં ચિત્રો અને વાર્તા દ્વારા આપણે ઓનલાઈન ફ્રોડનો શિકાર થતાં કેવી રીતે બચી શકીએ તેનાં ઉદાહરણો આપવામાં આવ્યા છે (આ પુસ્તિકા ઓનલાઇન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. તો દેર કિસ બાત કરી...ગૂગલ કરો મારાં વાલીડા..!) બાળકો ક્યારેક કોઈ નાની આર્થિક ભૂલ કરે ત્યારે એના પરિણામોની ચર્ચા કરીએ; એવું કેમ થયું એનું પૃથક્કરણ કરીએ અને એનામાં પણ એ સમજ વિકસે એવો ચિંતન અવકાશ એમને આપીએ.
૫) બાળકોને બજારમાં મોકલીએ:
બાળકોને બજાર સાથે જોડતી વખતે આપણે સજાગપણે કેટલીક બાબતો જોવી જોઈએ. જેમ કે એક માતા બાળકને મોલમાં લઈ જાય છે, ખરીદી કરીને બીલ ચૂકવવા જાય છે અને કાર્ડ સ્વાઇપ કરીને અથવા તો ઓનલાઇન પૈસા ચૂકવે છે. ત્યારે સાથે રહેલ બાળકને એમ જ લાગે છે કે વસ્તુ ખરીદવી તો ખૂબ સહેલી છે એટલે હું જે કહું એ મમ્મી મને કેમ નથી લઈ આપતી? આમાં તો માત્ર એક પ્લાસ્ટિકનું કાડ જ ઘસવાનું છે! એટલે આ બાળક મોલમાં જ ધમપછાડા શરુ કરે છે! એટલે ઘરમાં પૈસા કેવી રીતે આવે છે એની સ્પષ્ટ સમજ મળે એ માટે ક્યારેક માતા-પિતા જ્યાં કામ કરે છે એ જગ્યા જોવા અને કામ દેખાડવાનો એક દિવસ રાખી શકાય. થોડાં મોટા થતાં બાળકોને શાકભાજી, સ્ટેશનરી અને નાસ્તા જેવી બાબતો સ્વતંત્ર રીતે ખરીદી કરવા માટે મોકલવા જોઈએ. આમ કરવાથી તમે જોશો કે બાળકો પૈસાને સાચવતા, વસ્તુને સાચવીને લાવતા, હિસાબ કરતા તો આવડશે જ અને જે દુનિયામાં એને આગળ જઈને આ બધું જ કરવાનું છે એનો પરિચય કેળવશે.
પૈસાનું વિજ્ઞાન માત્ર આર્થિક નથી પણ મનોવૈજ્ઞાનિક છે. પ્રત્યેક આર્થિક બાબત સાથે નિર્ણયો લેવાની પ્રક્રિયા જોડાયેલી છે. બાળકોને આર્થિક વ્યવસ્થાપન શીખવવાનો હેતુ સ્પષ્ટ નિર્ણય લેતા શીખવવાનો છે, લીધેલા નિર્ણયના પરિણામોનું અનુમાન કરતાં શીખવવાનો છે, બદલાતા સમય સાથે પૈસા સાથે જોડાયેલ સંબંધોની જટિલતા સમજાવવાનો છે અને સાથોસાથ નિરાંતે ઊંઘ આવે એ માટે પૈસાને મગજમાં કેમ ઘૂસવા ન દેવો એ જાદુ શીખવવાનો પણ છે!
તો હવે બાળકોને આપવાના સંસ્કારોની યાદીમાં આર્થિક સંસ્કાર ઉમેરીએ???*
No comments:
Post a Comment